મૌન બલોલી ~ પ્રત્યેક જણ  

🥀 🥀

*હું જ મારો એકલો અવતાર છું*

પ્રત્યેક જણની જેમ હું ચિક્કાર છું,
છું માનવી ને માનવીની બ્હાર છું.

એ ભીંતના ટેકે જીવે છે બાપડું,
સરિયામમાં કહેતું ફરે છે દ્વાર છું.

જેનો ઝરુખો શહેરમાં ચર્ચાય છે,
એનો, તળે ઢંકાયેલો આધાર છું.

પણ આંગળીની ખડકીઓ ખોલી જૂઓ,
ગમતા લયોનો હુંય એક વિસ્તાર છું.

સૂરજ-કથાથી કાન ફૂંકાતા રહ્યાં,
ને ત્યારથી તે આજ લગ અંધાર છું.

છું ખૂશ્બુની હત્યાનો પૂરાવો છતાં,
ચર્ચાઉં છું કે ડાળખી પર ભાર છું.

પણ કૈંક અવતરતું હશે મારા વિષે,
હું પણ નગરમાં ફરતું કારાગાર છું.

‘ખામોશ’ પામ્યો અન્યથી બસ એટલું,
કે હું જ મારો એકલો અવતાર છું.

~ મૌન બલોલી ‘ખામોશ’ (22.9.1939 – 25.11.2012  )

મૂળ નામ ચંદુલાલ પટેલ.

કવિતાસંગ્રહો – ‘દસ્તાવેજ’ (1988), ‘સમય વચાળે હું’ (2007)

ફોટો સૌજન્ય : ‘રેખ્તા’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *