ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ~ વિધાતાથી ઘણી

માંગ્યું

વિધાતાથી ઘણી રકઝક કરી એક જ રટણ માંગ્યું
તમારો પ્રેમ માગ્યો, રાત માગી, જાગરણ માંગ્યું.

યુવાનીની ખરી કિંમત સમજવા બાળપણ માંગ્યું
યુવાનીની ક છાયામાં જીવન માંગ્યું, મરણ માંગ્યું.

બધા છલબલ થકી નિર્લેપ રહેવા ભોળપણ માંગ્યું
વિના સંકોચ જે દેખાય તે અંત:કારણ માંગ્યું.

પ્રણયની વાતમાં બુદ્ધિ ઉપર દિલનું ચલણ માંગ્યું
અને દિલબરનું મુજ પ્રત્યે ગમે તેવું વલણ માંગ્યું.

જગત આ હો અગર જન્નત અગર દોઝખ ગમે તે હો
ખુદા પાસે અમે મહેફિલ તણું વાતાવરણ માંગ્યું.

પછી સોહમ તણા ગેબી મને પડઘાઓ સંભળાયા
પરમ આત્મા થકી આત્માનું જ્યાં એકીકરણ માંગ્યું.

અમે ‘નાદાન’ રહીને વાત કહેવા માણસાઈની
ગણો તો શાણપણ માંગ્યું, ગણો તો ગાંડપણ માંગ્યું.

 ~ ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ જન્મ 7.9.1934

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *