તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું,
લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું.
આંસુભર્યા રૂમાલ સૂકવવાની આજકલ ઋતુ છે શહેરમાં,
પંપાળ મા તું ઘાવ, ઢળેલી નજર ઉઠાવ, નજર ના ઝુકાવ તું.
સપનાંનો ભગ્ન અંત નવેસરથી આ વસંત લખે છે કૂંપળ વડે,
કૂંપળ છે તારી મિત્ર ને દોરે છે તારું ચિત્ર, ન ચહેરો છુપાવ તું.
અચરજ છે એ જ એક કે સર્વત્ર મ્હેક મ્હેક મધુરપનો મોગરો,
થોડી ક્ષણોને ઘૂંટ કે આખોય બાગ લૂંટ ને ઉત્સવ મનાવ તું.
હોઠે થીજેલ શબ્દ ને લોહીનાં વ્હેણ સ્તબ્ધ, શું આ આપણે છીએ?
તારો છે હક કે માંગ, અનાગતની પાસે રાગ ને મહેફિલ જમાવ તું.
બેઠો ર.પા. ઉદાસ અને એની આસપાસ તું ટોળે વળી ગઇ,
ના ચૂપચાપ તાક, ને ભીતર જરાક ઝાંક, છે એનો અભાવ તું.
~ રમેશ પારેખ
‘કાવ્યવિશ્વ’ને આવકાર
માત્ર કાવ્ય જ નહીં પરંતુ કાવ્યતત્ત્વને પ્રકાશિત કરવાના ધ્યેય સાથે ‘કાવ્યવિશ્વ’ ખૂબ જ ટૂંકા ગળામાં લોકપ્રિય વેબસાઇટ બની ચૂક્યું છે. અહીં quantity નહીં પરંતુ qualityને પ્રાધાન્ય આપવાનો સભાન પ્રયત્ન થઈ રહ્યો છે. વિષય વૈવિધ્ય પણ વખાણવા લાયક. લતાબેનને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. ~ ડો. મુકેશ જોશી
આપ પણ ‘કાવ્યવિશ્વ’ માટે આપનો પ્રતિભાવ મોકલી શકો છો. ~ સંપાદક

વાહ ખુબ સરસ રચના ખુબ ગમી પ્રણામ 🙏🙏🙏
વાહ, ખૂબ સરસ. સ્મૃતિ વંદન.